નિ:શબ્દ શાંતિ છે ચારે કોર,
એક દીપ આછા ઉજાસ સાથે ટમટમી રહ્યો છે,
ઓરડામાં કોઈ નથી કેવળ હું છુ,
હા, હું છુ, શ્વેત ચાદરમાં લપેટાયેલો કેવળ હું છુ!
હું એટલે કેવળ મારું શરીર,
મારો આત્મા ઓરડામાં અહીં-તહી ભટકી રહ્યો છે!!
મિત્રો, સગા, સંબંધી આવતા-જતા રહે છે,
કોઈ આવીને હાથ જોડે છે તો કોઈ થોડી વાર બેસે છે,
તો કોઈ વળી પુષ્પ-ગૂચ્છ મૂકી જાય છે કે ફૂલોની માળા પહેરાવી જાય છે!
તો કોઈ કોઈ’કની પૂછા કરી બહાર ઉભા રહે છે!
બહાર ઘણી ભીડ છે, ઘણા મિત્રો-સંબંધી ભેગા થયા છે,
હું એટલે મારો આત્મા બધાને જોઈ રહ્યો છે,
બધાને ધ્યાનપૂર્વક નીરખી રહ્યો છે,
કોઈ’ક ખાસને જોવા ભટકી રહ્યો છે!!
બહાર ઉભા મિત્રો-સંબંધીઓમાં ધીમા અવાજે વાતો થઇ રહી છે,
કોઈ ઘડિયાળ સામે જોઇને ક્યારે નીકળીશું એમ પૂછે છે,
તો કોઈને ઉતાવળ છે, જલ્દી કોઈ કામે જવું છે, મોડું થઇ રહ્યું છે!!
મને એટલે મારા આત્માને વિચાર આવે છે, ભાઈ શાનું મોડું થઇ રહ્યું છે?
સાથે હરતા-ફરતા અને મોજ-મજા કરતા ત્યારે તો ક્યારે કહ્યું નહતું કે ‘હર્ષદ’ મોડું થાય છે!
જીન્દગીમાં વહેલા-મોડાનો વિચાર ના કરનારમાટે આજે તમને મોડું થઇ રહ્યું છે??
તો વળી એમ કહે છે, બેઠા છીએ, નીકળશે ત્યારે જશું,
આખી જીન્દગી સાથે હતા તો આજે હવે શાની ઉતાવળ!
પણ બધા તો છે અહી, કોની રાહ જોવાય રહી છે?
ઘરનું કોઈ માણસ આવવાનું બાકી છે?
‘હા’ બાકી છે, બાકી છે આવવાના ‘કાકી’!!
કાકી?
હા હા હા હા
હસવું આવે છે મને, એટલે કે મારા આત્માને!
આખું ગામ અને કદાચ મારા સંપર્કના બધા મને ‘કાકા’ કહે છે!
અરે નહિ, કહેતા હતા!!
અને જે આવવાના બાકી છે એમને ‘કાકી’ કહે છે!
સવારના નીકળ્યા છે, બસ હમણા પહોંચવા જોઈએ, ‘કાકા-કાકી’ સમયના બહુ પાકા!!
આવી જાત-જાતની વાતો સાંભળી મને હંસવું આવે છે,
કે જીન્દગી પણ હવે આજે છેલ્લે છેલ્લે મિત્રો-સંબંધીના સાચા ચહેરા દેખાડે છે!!
કોઈ કહે છે, હમણાં ફોન આવી ગયો, ફાટક પર પહોંચી ગયા, બસ ટ્રેન નીકળે એટલે પહોંચી જશે!
હું એટલે કે મારો આત્મા વિચારે છે કે મને ક્યાં ફાટક નડવાનું છે?
ચાલને જીવ બે ઘડી વધારે સાથે રહેવાશે, ફાટકપર જી આવું!!
અને ત્યાં તો અવાજ આવે છે, આવી ગયા! આવી ગયા!
ઘરમાં અંદર બેસેલા બધા બહાર દોડી આવે છે,
બહારના બધા અજુ-બાજુ ઘેરી વળે છે!
સફેદ વસ્ત્રો, સફેદ સાડી, સફેદ બ્લાઉઝ, ફિક્કો ચહેરો પણ ભાષે સફેદ,
આંખોમાં રૂદન, આંખોમાં સૂજન, ચહેરા પર દર્દ, હાંફતો શ્વાસ,
હાથ પકડીને એમને પેલા સફેદ ચાદરમાં વીંટાળેલા દેહ પાસે લઇ જવાય છે,
દેહ્પરથી ચાદર હટાવાય છે,
દેહના નાક્પર રૂના પૂમડા છે, આંખોપર પણ રૂના પૂમડા છે,
કદાચ મારી એટલે કે એ દેહની આંખો ક્યાં’ક અત્યારે લગાવાય રહી હશે!
અને હું એમને જોવું છુ, સફેદ વસ્ત્રોમાં બહુજ સુંદર લાગી રહ્યા છે,
વાહ્હ, કેટલા સુંદર, અતિ સુંદર, એકદમ નિર્મળ, નિર્મોહ!
આવી સુંદર વ્યક્તિને સુંદર પત્નીને છોડીને કેમ જવાય?
જેમના વિના એક દિવસ જીવવો મુશ્કેલ બને છે,
એમને છોડીને આમ એકલા વળી કેમ જવાય?
એમને છોડીને આમ એકલા વળી કેમ મરાય?
‘મરના કેન્સલ’!!
મરના કેન્સલ’, મરના કેન્સલ’ મરના કેન્સલ’
મનમાં બોલતાં બોલતાં પડખું ફરું છુ,
આંખો ખોલી જોવું છુ તો આછા પ્રકાશમાં હું, ‘હું’ છુ અને એમના પડખામાં સૂતો છુ!!
આંખો ખોલી જોવું છુ તો આછા પ્રકાશમાં હું, ‘હું’ છુ અને એમના પડખામાં સૂતો છુ!!